ઘણા સમય થી મનોમંથન ચાલી રહ્યું હતું, કે ગાંધીજી આજના સમય માં હોત તો સારું, થોડું વધારે જીવ્યા હોત તો સારું પણ આજે એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે ગાંધીજી સદાય આપણી જોડે જ છે અને હજારો વર્ષ હજી રહેશે પણ આપણે એમને નકારીયે છે. રોજેરોજ નકારવાની ભૂલ આપણે કરી રહ્યા છે. ગાંધી ને કોણ મારી શકે, નાથુરામ મારવા તો ગયો પણ એ ફક્ત શરીર ને મારી શક્યો. ગાંધી વિચાર નું અસ્તિત્વ ઘણું વિરાટ છે, એમાં આપણે જેમ બને એમ વિલીન થઈ શકિયે પણ એના માટે યોગ્યતા ની કસોટીઓ ઘણી. જેટલી કસોટીઓ પાર કરીયે એટલા જ બાપુ સંલગ્ન અને જોડે હોય એમ લાગે, જાણે સ્થૂળ શરીર છોડી એક દિવ્ય ચેતના બની આજે પણ સત્ય ના માર્ગ બતાવી રહ્યા હોય પણ આપણે એમની જોડે નથી એટલે બીજા ઘણી નકારાત્મકતા ઘર કરી બેઠી છે. એમના શબ્દો માં કહીયે તો આત્મબળ આપણા માં રહ્યું નથી જે એમને વિકસાવવાની વાત કરી હતી.
ગાંધીજી નું સત્ય દર્શન વિશિષ્ટ છે, એ કઈ એકલા હિમાલય જઈ શાંતિ મેળવવા ન હતા ઇચ્છતા પર હિમાલય ની શાંતિ સમાજ માં સ્થાપવા ઇચ્છતા હતા. તેથી એક સંત રાજનીતિ માં નૈતિકતા લાવી શક્યો. થિરૂવેલવર જે તિરૂકુલલર માં સામાજિક અધ્યાત્મ ની વાત કરી એજ ફરી ચેતના જગાડી સમાજ માં જરૂરિયાત ઓછી રાખી સ્વરાજ અને સ્વતંત્રતા ની વાત સાથે મૂકી. તેથી હું એમ કહી શકું કે ગાંધી હાલ ના સમય માં વધુ પ્રાસંગીક છે, એ આધુનિક સમસ્યા ની ખુબ પરિચિત છે અને ભારતીય જ્ઞાન પરમ્પરા ના સાચા પ્રતિનિધિ છે. તેથી અત્યંત મુશ્કેલી વાળો પથ પર એમન પુરુષાર્થ થકી આપણા માટે આધુનિકતા ના આક્રમણ સામે નો માર્ગ સરળ કર્યો. ભારતીય સમાજ ને મોક્ષ માટે બુદ્ધ અને નાનક બનતા પેહલા ગાંધી બનવું પડશે. તે માટે ક્ષણ ક્ષણ નું માર્ગદર્શન પણ એમનું છે જ. બસ આપણે એમની જોડે નથી કે એ રસ્તે ચાલવાની હિંમત ભેગી નથી કરી શકતા એટલે એને અપ્રાસંગિક ગણી પોતાને છેતરવાની ભૂલ કરી રહ્યા છે.
ગાંધીજી ની અહિંસા માત્ર શારીરિક બળ સુધી સીમિત નથી, એ તો તમે તમારા પડોશી દ્વારા બનતી વસ્તુ ને અસહકાર આપો ને મોટા કારખાના દ્વારા ઉત્પાદિત વસ્તુનો ઉપભોગ કરો એને હિંસા ગણતા, એ વ્યવસ્થા ને હિંસક ગણતા. આજે હવે જોઈ લો, આપણે રોજે રોજ એના વિચારો ને મારી એનાથી દૂર જઈએ છે. ગાંધીજી અહિંસા ના નામે કઈ અશક્ત વ્યક્તિઓની ભરતી કરવાનું ઇચ્છતા ન હતા. એતો કેહતા કે કાયરતા કરતા હિંસા સારી પણ એમની અહિંસા બૃહદ હતી એમાં સ્વરાજ અને સ્વાવલંબન ઇચ્છતા હતા જે અહિંસક સામાજિક અર્થવ્યવવસ્થા સ્થાપવાની વાત કરતું હતું જેમાં આધ્યાત્મિક જીવન શક્ય બને જે ભૌતિકતા વાળા જીવન માં શક્ય નથી.
પુસ્તકો નો અભ્યાસ કરવાનો, જીવન માં સુવર્ણ અવસર મળ્યો, દરેક પુસ્તકની જીવન પર ગાઢ અસર થઈ, પણ હિન્દ સ્વરાજે અનેરું સ્થાન લીધું, જાણે ભગવદ્દ ગીતા ની પ્રસ્તાવના હોય એમ ભાષ થાય, બાપુ પશ્ચિમ ની આસક્તિ વાળી ભૌતિક સંસ્કૃતિ થી બચવા નું આહવાન કરી ચેતવી રહ્યા છે, વિનોબા જી ના શબ્દો માં જાણે કોઈ ઋષિ ને ભવિષ્ય ના દર્શન થાય તેમ બાપુ ભવિષ્ય ને જોઈ રહ્યા હોય અને હિન્દ સ્વરાજ થકી સાચું સ્વરાજ સમજાવી રહ્યા હોય. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હિન્દ સ્વરાજ વધુ પ્રાસંગીક બનતી ગઈ. તેથી ફરી એક જ વાત નું રટણ ફરી કરી રહ્યો છું કે ગાંધી જો આપણી જોડે છે આપણે એની જોડે છે?
ગામડા નું પ્રાકૃતિક અને આધ્યાત્મિક જીવન ની વકાલત કરતા બાપુ ની વાતો નકારી શહેરો ની ભૌતિક અને પ્રદુષિત અધ્યાત્મ થી દૂર કરનારી સંસ્કૃતિ તરફ આપણે પ્રયાણ કર્યું તો આ સવાલ પૂછવો પ્રાસંગીક છે કે આપણે ગાંધી જોડે છીએ?
એ તો હજી ગ્રામ્ય જીવન માટે આહવાન કરે છે પણ આપણે જવાની હિંમત નથી તેથી ગાંધી તો આપણી જોડે જ છે જે સતત ભૌતિક થી અધ્યાત્મ તરફ, અસત્ય થી સત્ય તરફ, અંધકાર થી પ્રકાશ તરફ માટે માર્ગદર્શન કરવા બેઠા જ છે પણ આપણે એની જોડે નથી.
એની નઈ તાલીમનું સ્વાવલંબન નું શિક્ષા દર્શન બાજુ પર મૂકી આપણે જ મૂડીવાદી ની ગુલામી આપતી નોકરી નું શિક્ષણ આપતું માળખું અપનાવ્યુ, તો સહજ મન માં સવાલ થઈ ઉઠે છે કે આપણે ગાંધી જોડે છીએ?
ગાંધી તો વ્યક્તિગત સત્યાગ્રહ ની વાત કરી, સ્વાવલંબન ની વાત કરી પણ આપણે આ બદતર વ્યવસ્થા ને કોઈ આવી સુધારે એની આશા એ પરાવલંબી જીવન જીવવા બેઠા છે.
મેરિત્ઝબર્ગ સ્ટેશન પર જેમ ગાંધી એ મનોમંથન કર્યું કે આ તો મને નહીં પણ માનવતા ને ધક્કો માર્યો છે. રંગભેદ ના કારણે અને વૈશ્વિક સમસ્યા માટે પોતે લડ્યા, આપણે પણ રોજે રોજ આવા અનુભવ થતા હોય છે. શું કરવું એ ગાંધીજી નું જીવન આપણી સમક્ષ છે બસ સંકલ્પ અને પ્રયાસ ની જરૂર છે. હું જયારે આધુનિક તબીબશાસ્ત્ર (મેડિકલ સાયન્સ), અર્થશાસ્ત્ર અને તથાકથિત લોકશાહી અભ્યાસ કર્યો અને એ ના નામે શોષણ નો ખ્યાલ આવ્યો તો એજ મનોમંથન હતું કે આ અભ્યાસ મારી જોડે જ રાખવો કે લોકો સુધી પહોંચાડવો, ગાંધીના મેરિત્ઝબર્ગ સ્ટેશનનું મનોમંથન મારા માટે માર્ગદર્શન બની રહ્યં એટલે ગાંધી સદાય આપણી જોડે છે. આપણે એમની જોડે નથી એટલે દિશાહીનતા અનુભવ કરીયે છે.
ગાંધી દર્શન નો પ્રકાશ હજારો વર્ષ સુધી રહેવાનો પણ આપણે આંખ ઉપર હાથ મૂકી અંધકાર પસંદ કર્યો તેથી જ મારાથી કહેવાય જાય છે કે ગાંધી તો મારી જોડે હમેશા છે પણ હું એની જોડે કેટલો છું?.


