દરેક દીકરી ના માતાપિતા ને મારી નમ્ર વિનંતી કે દિકરીયો માટે સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીયે.
દીકરીઓ માટે હવે આ સમાજ યોગ્ય નથી, એને બદલવાની જરૂર છે, અનિવાર્યતા છે.
છાપા માં એમની સાથે બનતા દુષ્કર્મ વાંચી હૃદય દ્રવી ઉઠે છે, અરેરાટી છૂટી જાય છે. જે ઉંમર રમવાની હોય ત્યાં કોઈક રાક્ષસ એમના ખીલતા જીવન નો નાશ કરી દે છે. હવે આ આપણા દરેક ની જવાબદારી થઈ પડી, કે સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીયે, જીવન અને સમાજ માં નૈતિકતા ભરીયે.
ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા નૈતિકતા ની વાતો કરીએ, સિદ્ધાંતો ની વાતો કરીએ એને ફેલાવીએ. આપણે જેટલે પહોંચાડી શકીયે એટલે સ્વસ્થ વિચાર પહોંચાડીયે, આપણી આજુબાજુ સંયમિત વાતાવરણ નું નિર્માણ કરીયે. આપણી દિકરિયો માટે સ્વસ્થ સમાજ બનાવીએ.
જે સંસ્કૃતિ માં यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता: કહેવાતું હોય; જ્યાં નરસિંહ મહેતા ના ભજનો માં પર સ્ત્રી જેને માત રે નો ઉલ્લેખ થતો હોય; જ્યાં રામકૃષ્ણ પરમહંસ દરેક સ્ત્રી માં માતા નું સ્વરૂપ દેખવાનું ઊંચું દર્શન આપતા હોય, જે સમાજે સ્વામી વિવેકાનંદ અને દયાનંદ જેવા અસંખ્ય ઉંચા આદર્શ વાળા બ્રહ્મચારીઓ ના ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યા હોય અને આત્મ સંયમ અને બ્રહ્નચર્યા જેવા નિયમ જીવન માં વણવાની વાત હોય. જ્યાં આદર્શ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ને કહેવાય તે સમાજમાં આવા રાક્ષસ કેવી રીતે પેદા થાય અને આટલું નીચ કક્ષા નું દુષ્કર્મ કેવી રીતે આચરતા હોય. એના પર ગંભીર ચિંતન ની આવશ્યકતા છે. ક્યાંય આપણી નિષ્ક્રિયતા અને ખામી રહે છે તેને સુધારીયે.
આના પર તુરંત પગલાં લઇ સૌ સહભાગી થઈએ. હિંમતથી અનૈતિકતા, અશ્લીલતા નો વિરોધ કરીયે. એને ઉત્તેજના આપનાર માધ્યમ નો વિરોધ કરિયે. જે અભિનેતા કે અભિનેત્રીઓ અશ્લીલતા ફેલાવે તેમનો વિરોધ અને બહિષ્કાર કરીયે. જે ફિલ્મો અથવા અન્ય માધ્યમથી અશ્લીલતા પીરસતા હોય તેમનો ખુલ્લેઆમ હિંમત થી વીરોધ કરીયે બીજાને પણ તેના બહિષ્કાર માટે પ્રેરણા આપીએ અને આવનારી પેઢીને સદાચાર, સયંમ અને નૈતિકતા જેવા ગુણો શીખવીએ.
સમાજ માં સારા વિચારો ની વાતો કરીએ એનો પ્રચાર અને પ્રસાર કરીયે, એની તાતી જરૂર છે, એનાથી ઓછું કઈ ખપતુ નથી.વૈચારિક સ્તર ઊંચું લાવવા પ્રયત્નો કરીયે, સમાજ નું જે સ્તર નિમ્ન કક્ષા નું બની ગયું એને ઉપર લાવીએ, નીચે લઈ જનાર પણ આપણે છે અને એને ઊંચું લાવવા પણ આપણે જ પુરુષાર્થ કરવો પડશે. આપણા નાના કાર્ય ની અસર થશે, લોકો માં વૈચારિક સ્તર સુધરશે, આપણી સંસ્કૃતિ હમેશા સદાચાર પર જ ભાર આપ્યો છે. બસ છેલ્લા થોડા વર્ષો માં અશ્લીલતા નું આક્રમણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ ના માધ્યમ થી વધી ગયું અને આપણા સહકાર થી જ ફુલયુ ફાલ્યું અને એના પરિણામ પણ આપણે ભોગવી જ રહ્યાં છે. જો હવે સતર્ક થઈ એનો અસહકાર કરીશું તો સારા પરિણામ મળશે. જેટલું તેજી થી આ માધ્યમ ગંદકી ફેલાવે તેટલી તેજી થી અને તત્પરતા થી આપણે પણ કાર્ય કરવું પડશે.
હવે આવા સમાચાર ન સાંભળવા મળે કે વાંચવા મળે એના માટે કમર કસીયે.
