એવા વિકસીત સમાજ ની રચના થઈ કે લોકો માં શુદ્ધ હવા કરતા મોંઘી કાર ની ઘેલછા વધવા લાગી. હવે વેદના સાથે એને વિકસિત કહી રહ્યો છું.
આટલું પ્રદુષણ હોવા છતાં મેં કોઈ શિક્ષિત ને નથી સાંભળ્યો કે કાર વિના ચલાવી લઉ ના એ તો હવે જીવન નું અનીવાર્યપણુ થઈ ગયું કદાચ શુદ્ધ હવા કરતા પણ વધુ.
ઘણી વખત વિચાર આવે કે મારા મિત્રો ને હું 15 વર્ષ થી કાર ચલાવતા જોયા પણ કોઈ ને એક વૃક્ષ વાવતા નથી જોયા અને બધા શિક્ષિત છે, અમુક તો એટલા કે ડીગ્રી નો ઢગલો ખડકાય પણ શિક્ષણ ને વિકાસ ની પરિભાષા જ કાઈ અલગ કરી ત્યાં મારા જેવાની વાત મૂર્ખ સમી લાગે અને હજી આગળ લોકો નું, સરકારનું અને ઓટોમોબાઇલ કમ્પની નું ટાર્ગેટ તો ભવિષ્ય માં હજી કાર પ્રોડક્શન અને વપરાશ વધે એનું છે, છે ને વિકાસ ચરમસીમા પર!!
માતા પિતા આજે પોતાના બાળક ને ઓડી, મરસીડીઝ, એપલ આવુ શીખવતા થઈ ગયા પણ પક્ષી ની વિવિધતા, વૃક્ષ ની વિવિધતા, પ્રકૃતિ પ્રેમ જેવી અનિવાર્ય જ્ઞાન આપતા નથી. અને ઘણા દુઃખ સાથે કહેવું પડે કે આ શિક્ષિત સમાજ છે.
હમણાં એક પ્લાસ્ટિક ની થેલી બનાવતી ફેકટરી ની મુલાકાત લેવાનું થયું. હજારો વૃક્ષ કાપી નાખ્યા, મેં પૂછ્યું શા માટે તો પ્લાસ્ટિક એન્જિનિયર મને ગર્વ થી કહ્યુ નવો પ્લાન્ટ બનાવીએ છે ટોટલી જર્મન ટેકનોલોજી ઓપરેટેડ, એના થી અમારી પ્લાસ્ટિક પ્રોડક્શન ની કેપેસિટી વધી જશે.
મને ઘણું આશ્ચર્ય અને દુઃખ થયું, રહી ન શક્યો એટલે પૂછ્યું કે વૃક્ષ કરતા માનવીએ પ્લાસ્ટિક ને કેટલું મહત્વ આપ્યું કે આજે આ દશા આવી પહોંચી કે જે દેશ માં પ્રકૃતિ ને મા માનતા હતા જેમાં અમુક સમાજે તો એવું ઉદાહરણ આપ્યું હતું કે ગળું કાપી નાખો પણ વૃક્ષ ન કાપો એ જ દેશ માં પ્લાસ્ટિક જેવી વિશ્વ માટે ખતરા સ્વરૂપ વસ્તુ માટે જીવન ની અનિવાર્ય વસ્તુ નો ભોગ લેવા બેસી ગયા.
દેશ મા કેવી સાક્ષરતા વધી, જર્મન,યુરોપ, અમેરિકા ને ફોલો જ કરો એ જ વિકાસ, આગળ જતા મેં પૂછ્યું કે પ્લાસ્ટિક મા જર્મન અને અમેરિકા નો પ્રોડક્શન કેટલું હશે જ્યારે આપણે એમની ટેકનલોજી નો ઉપયોગ કરી રહયા છે તો એન્જીનીયર એ જવાબ આપ્યો કે ઘણું વધારે એ તો ઘણા આગળ છે આપણા થી દસ વિસ ગણું વધારે તો મારા થી રહેવાયું નહિ અને પુછાયું કે એને આગળ આપના થી કહેવાય?
એન્જીનીયર શરમાયા, પણ વિદેશ નું ખોટું કેવી રીતે સાંભળી શકે એટલે પાછો પ્રત્યુતર આપ્યો કે એ દેશ ઘણો આગળ ડિસપોઝ કરી દે, મને ઘણું આશ્ચર્ય સાથે ફરી પૂછવું પડયું કે પ્લાસ્ટિક ને ડિસપોઝ થતા કેટલો સમય લાગે 200 થી 250 વર્ષ ખરા તો કહે ના એના થી પણ વધારે. મેં કહ્યું કે મેં એવું સાંભળ્યું અને વાંચ્યું છે કે ગારબેજ રિલોકેટ થઈ શકે પણ ડિસપોઝ 100% ના થઇ શકે આખરે મારે વાત સાથે સહમત થયા અને કહ્યું ખરું કે ભલે આપણે કરીયે પણ આ વસ્તુ તો ખોટી છે જેમાં આપણું સર્વનાશ નોતરી રહ્યા છે.
આગળ જતાં મેં વેસ્ટજ કેટલો નીકળે એની વાત કરી, તો કહ્યું મહિના નું 680 કિલો, હવે આ તો થયું મહિના નું, વર્ષ નું ગણો અને આતો ભારત ની એક કમ્પની નું, આખા દેશ નું ગણો અને તેનાથી વિસ ગણું અમેરિકા નું ગણો, કઈ દિશા તરફ વિશ્વના વિકાસ ને લઈ જઈ રહ્યા છે એ વિચારવા જેવું છે ને!
મહાપુરુષો એ વારંવાર ચેતવ્યા, ઓદ્યોગિક ક્રાંતિ ની શરૂઆત મા જ વિલિયમ્સ વર્ડ્ઝવર્થ નામના મહાન કવિ એ The World is too much with us ટાઇટલ ની સુંદર કવિતા દ્વારા ચેતવ્યા, પણ બ્રિટિશ તંત્ર અને લોકો દ્વારા નકારવામાં આવ્યા.
હેનરી ડેવિડ થોરો પણ આ વાત કહી કે "live simple and with surrounding" પણ એમની વાત અમેરિકામાં ની સરકાર અને પ્રજા દ્વારા નકારવામાં આવી. નોબલ પારીતોષક એલેક્સિસ કરેલ એમની પુસ્તક Man the unknown મા ખૂબ સુંદર રીતે સમજાવી કે આપણે વિકાસ ની ખોટી દિશા પકડી છે, આખા વિશ્વનું જ્ઞાન ધરાવતો માણસ હજી પોતાને નથી સમજી શક્યો એટલે જ પુસ્તક નું નામ Man the unknown રાખ્યું છે. જેમાં શહેરીકરણ બધી સમસ્યા નું મૂળ છે અને ચેતવ્યા કે એ હજી વિસ્તરણ ન કરે પણ એના થી વિરુદ્ધ દરેક દેશ ને નવા શહેરો નો વિકાસ કરવો છે અને શહેરોનો વિસ્તાર વધારવો છે ભલે પછી એની જોડે દરેક સમસ્યા ઉભી થાય.
અહિયા તો પૂજ્ય બાપુ, ગાંધીજી એ દેશ ની લડત સાથે સમાજ પરિવર્તન ની મોટી વાત કરી અને પશ્ચિમી સભ્યતા ને શેતાની સભ્યતા ગણી એનાથી દૂર રહેવા કહ્યું પણ આઝાદી મળતા જ તો એનાથી વિરુદ્ધ જ દરેક કાર્ય નો આરંભ કરી દીધો, બસ પૂજ્ય બાપુ ને રાષ્ટ્રપિતા બનાવી નોટ પર બેસાડી દીધા જાણે આપણે બધા બતાવતા હોય કે ગોડસે એ તો તમારા સ્થૂલ શરીર ની જ હત્યા કરી પણ અમે તો તમારા અમર વિચારો ને પણ રોજ મારી રહ્યા છે.
ગુરુજી રવિન્દ્ર શર્મા ના વ્યાખ્યાન માં સાંભળ્યું હતું કે પેન્ટ શર્ટ પહેરતા ભારતીયો ભારત ને ઓળખતા નથી, પેહલા તો સમજવું અઘરું લાગ્યો પણ અનુભવ થતા જ એમની દીર્ઘદ્રષ્ટિ નો ખ્યાલ આવ્યો. મારે કોઈ શિક્ષિત વિદેશી વસ્ત્રો માં લપેટાઈ રહેતા ભારતીય ને પૂછું કે અલગ અલગ દાતણ અને તેમના રસ વિશે કહો તો ભાગ્યેજ જવાબ મળશે કારણ કે એમને તો વિદેશી શિક્ષણ પ્રમાણે ડીગ્રી લીધી છે તો ભારતીય જ્ઞાન ક્યાંથી હોવાનું. જો કુવા નું વિજ્ઞાન કે પોળો માં પાણી ના ટાંકા બનાવી વરસાદ નું પાણી સંગ્રહ કરવાની રીત, કે ગામ ના તળાવ નો ઇતિહાસ કે વિજ્ઞાન પૂછું તો એમને તો જુનવાણી અને વિકાસ વિરુદ્ધ ની વાત લાગે, પણ એમને ક્યાં ખબર છે કે વોટર હારવેસ્ટીગ જે પશ્ચિમ માં થી હમણાં શબ્દ આવ્યો છે તે હજારો વર્ષ થી એનો ઉપયોગ થતો હતો.
આજનું આધુનિક વિજ્ઞાન એ માની રહ્યું છે કે મેડિકલ સાયન્સ અને સિવિલ એન્જીનીયર ને ઘણું કનેક્શન છે ત્યારે વરસાદ નો પાણી નો સંગ્રહ અને આયુર્વેદ માં વરસાદના પાણી ને પીવાનો ભાર જે સૌથી વધુ સુપાચ્ય ગણાય એનો ખ્યાલ આવે. એટલે હવે વિકાસ અને આધુનિક શિક્ષણ મારા માટે તો ડરાવના શબ્દ થઈ પડ્યા છે.
મારે પશ્ચિમ ની તો વાત ન નથી કરવી જેને સમજ્યા વગર આપણે આંધળું અનુકરણ કરી ને જ આ દશા બેસાડી છે.
પ્રકૃતિ એ એક ઝાડ ના પાન પણ સરખા નથી બનાવ્યા, જોડિયા બાળક ના ફિંગર પ્રિન્ટ પણ અલગ હોય તો આખી દુનિયા ની રહન સહન ની વ્યવસ્થા કેમ એક કરવા પાછળ મથી રહ્યા છે, અને એના પરિણામો વિશે પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી, જોસેફ સ્ટીગ્લિત્ઝ, બ્રેન્કો મિલાનોવેક વગેરે જેવા લોકો ચેતવી રહ્યાં છે.
પોતાના સમાજશાસ્ત્ર ને સમજ્યા વગર અર્થશાસ્ત્ર અનર્થશાસ્ત્ર જ થઈ પડશે અને જેના પરિણામો પણ ભોગવી રહ્યા છે જેટલા જલ્દી જાગ્યે એટલું સૌને માટે જલ્દી સારું.
